ભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલી કચરા પેટીની બહારથી પીપીઇ કીટ અને ઇન્જેકશન સહિતનો મેડીકલ વેસ્ટ મળી આવતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કોરોના વાયરસને આમંત્રણ આપી શકે છે…..
રાજયમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલી કચરાપેટીની બહાર જ પીપીઇ કીટ અને ઇન્જેકશનનો જાહેરમાં નિકાલ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સામાન્ય રીતે હોસ્પિટલના મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાનો હોય છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સ્થળોએથી પણ જાહેરમાં નિકાલ કરી દેવાયેલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન વડોદરાની ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવ્યું છે. હોસ્પિટલના પટાંગણમાંથી મળેલા મેડીકલ વેસ્ટ સંદર્ભમાં સિવિલ સર્જન ડૉ. આર.એમ. જીતીયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના મેડીકલ વેસ્ટના નિકાલ માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ મેડીકલ વેસ્ટ અમારી હોસ્પિટલનો નથી. કદાચ કોઇ દર્દીને લઇને આવેલી એમ્બયુલન્સના સંચાલકોને જાહેરમાં કચરો નાંખી દીધો હોય તેમ લાગી રહયું છે પણ આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ છાશવારે વિવાદમાં આવતી હોય છે. જાહેરમાં મેડીકલ વેસ્ટના મામલે વિવાદ થયા બાદ જીપીસીબીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તેમણે મેડીકલ વેસ્ટના નમુના લીધાં હતાં. જો કે જીપીસીબીની ટીમના અધિકારીઓએ મીડીયા સાથે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો હતો.