Connect Gujarat
ગુજરાત

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવી જતા ચકચાર

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવી જતા ચકચાર
X

મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સી.સી.ટી.વી માં કેદ

ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવી જતા ચકચાર મચ્યો હતો. જોકે તસ્કરોની સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવના મંદિરને અજાણ્યા બે જેટલા ઈસમોએ પગ થી મંદિરના દ્વાર તોડી મંદિરની અંદર પ્રવેશ કરી બિન્દાસ અંદાજમાં દાન પેટી ઉઠાવી જતા સી.સી.ટીવી કેમેરામાં નજરે પડતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર અને સતત ઘમઘમતા શક્તિનાથ જેવા વિસ્તારમાં તસ્કરોએ ભગવાનને પણ બાકી ન રાખી મંદિરના દરવાજા તોડી તેમાં મુકાયેલ એક મોટી તેમજ ૬ નાની દાન પેટી ઉઠાવી જઈ ચોરીની ઘટનાને બિન્દાસ અંજામ આપતા તસ્કરોએ પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવ્યા હોય તેમ આ ચોરીની ઘટના બાદ ચર્ચાઇ રહ્યું છે.

ઘટનાની જાણ શક્તિનાથ મહાદેવના મેનેજીંગ ટ્રસ્ટી માનસીંગ રાણાને કરાતા તેઓ પણ મંદિરે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે કરી હતી. ટ્રસ્ટી દ્વારા ચોરી થયાની જાણ કરાતા જ તુરંત પોલીસ ટીમ મંદીર ખાતે દોડી આવી હતી અને સી.સી.ટી.વી ફૂટેજ મેળવી ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

ઘટના અંગે ટ્રસ્ટીના જણાવ્યાનુસાર છ નાની દાન પેટી તેમજ એક મોટી દાન પેટી કે જેનું વજન ૨૫ કીલો જેટલું હતું તેને પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. એટલુંજ નહીં પરંતુ મંદીરના આગળના બે દરવાજા પગથી તોડી લાક્ડાના દરવાજાને પણ તોડવા સાથે મંદિરના વાયરીંગને પણ નુકશાન પહોંચાડાયું છેનું જણાવી ચોરી થયેલ રકમ અંગે પુછતા તેમણે કયું કે આશરે બે થી ત્રણ હજાર જેટલી જ રકમની ચોરી થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ થોડા સમય પહેલા લિંક રોડ ઉપર પણ તસ્કરોએ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હતા. હવે ફરી વાર તસ્કરો શહેરમાં સક્રિય થઇ શક્તિનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે.

Next Story