ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર અને વાઘપુરા વચ્ચેના માર્ગ પર રેતી ભરેલી હાઇવા ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે, હાઇવા ટ્રક પલટી મારી જવાની ઘટનામાં હાઈવાચાલકનો આબાદ બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.ભરૂચ : ઝઘડીયાના રતનપુર-વાઘપુરા નજીક રેતી ભરેલી હાઇવા ટ્રક પલટી જતાં આગળના 2 ટાયર છૂટા પડ્યા…

ઝઘડિયા તાલુકામાંથી વહન થતાં ખનીજ તેમજ બોડેલી તરફથી આવતા રેતી ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આડેધડ અને બેફિકરાઈથી વાહન ચલાવતા હોય છે, ત્યારે ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માતની પણ ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, ત્યારે ગત મોડીરાત્રે ઝઘડીયા તાલુકાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચેના માર્ગ પર બોડેલી તરફથી રેતી ભરી ઝઘડીયા તરફ આવતી એક હાઈવા ટ્રક રોંગ સાઇડ પર પલટી મારી ગઇ હતી. ટ્રકના ચાલકે ડિવાઈડર પર હાઈવા ચડાવી દેતા રોંગ સાઈડ પર હાઈવા ટ્રક પલટી મારી ગઇ હતી. જોકે, પલટી મારી જતા હાઈવા ટ્રકના આગળના બન્ને વ્હીલ છૂટા પડી ગયા હતા, જેથી હાઈવા ટ્રકને મોટું નુકશાન થયાનું જાણવા મળ્યું છે. ઝઘડીયાથી રાજપારડી જતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગના ટ્રાફિક પર અસર જોવા મળી હતી. રેતી ભરેલી હાઈવા ટ્રકે પલટી મારી જતા બન્ને તરફના રોડ પર રેતી વેરણ છેરણ થઇ હતી. માર્ગ પર રેતીના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.