ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આદિવાસી સમાજની બહુલ વસતી છે ત્યારે ઝઘડીયા ખાતે રવિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
તારીખ ૯મી ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવાવવામાં આવે છે. ભરૂચ જીલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી ઝઘડીયા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,કલેકટર ડો.એમ.ડી.મોડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. આ અવસરે ઝઘડીયાના સુલતાનપુરા વિસ્તારમાં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આદિવાસી સમાજ માટે સરાહનીય કામગીરી કરનારાઓને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.