ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે એક ઇસમે બંદૂકની અણીએ મહીલા પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ મામલે ભરૂચ પોલીસે સુરતના મોરથાણાથી દુષ્કર્મ અને લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ભોગ બનનાર મહિલા અન્ય 2 મહીલાઓ સાથે સીમમાં તુવેર વીણવા ગઇ હતી. તે સમયે આ ૩ મહીલાઓ સામે આરોપીએ ખેતરમાં ગંદા ઇસારા કરતા ત્રણેય મહીલાઓ ગભરાયને ભાગવા લાગતા આ આરોપીએ બંદૂક જેવુ હથિયાર બતાવ્યું હતું, જ્યારે એક મહીલા સામે બંદૂક ટાંકીને તેને ડરાવી ધમકાવી મહીલાને નજીકના ખેતરમાં લઇ જઇ, તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી અને મહીલાનો મોબાઇલ ફોન પણ આંચકી લઇ નાસી છૂટ્યો હતો. આ મામલે નબીપુર પોલીસ મથકે ભોગ બનનાર મહિલાએ ફરીયાદ આપતા રેપ વીથ લૂંટનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં પોલીસે ગુનાઓ સબંધે ગંભીરતા દાખવી આરોપીને ઝડપી લેવા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી થોડે દુર એક નંબર પ્લેટ વગરની બીનવારસી હોન્ડા સાઇન મોટર બાઇક મળી આવી હતી. જે બાઇક બાબતે તેના રજીસ્ટ્રેશન તથા વાહન માલીકની માહીતી મેળવી સ્થાનિક પોલીસની એક ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા બાઇકના માલીક દ્વારા પોતાની બાઇક જયેશ વસાવાને છેલ્લા 2 મહિનાથી વાપરવા આપેલ હોવાની હકીકત જણાવતા ભરૂચ એલ.સી.બી. તથા નબીપુર સ્થાનિક પોલીસ દ્વારા આરોપી જયેશ વસાવાને સુરત ગ્રામ્ય જીલ્લાના મોરથાણા ગામેથી લૂંટમાં ગયેલ મોબાઇલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીની મનોવૈજ્ઞાનીક ઢબે સઘન પુછપરછના અંતે આરોપી ભાંગી પડેલ અને તેણે આ ગુન્હાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે