/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-259.jpg)
રાજકોટમાં કનસ્ટ્રકશન સાઇડના ખાડામાં ભરાયેલાં ખાડામાં ડુબી જવાથી બાળકોના મોતની ઘટનાનું ભરૂચમાં પુનરાવર્તન થયું છે. રવિવારના રોજ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી કન્સટ્રકશન સાઇડ પર ખોદવામાં આવેલા ખાડાઓમાં ભરાયેલા પાણીમાં બે બાળકો ડુબ્યાં હતાં.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર એક ઇમારતનું બાંધકામ ચાલી રહયું છે. તેના પાયા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે આ ખાડામાં પાણીનો ભરાવો થતાં હંગામી તળાવનું નિર્માણ થયું હતું. દરમિયાન શહેરના સાબુગઢ વિસ્તારમાાં રહેતાં 3 બાળકો ફરતા ફરતા ત્યાં પહોંચ્યાં હતાં. જેમાંથી બે બાળકો ન્હાવા પડયાં હતાં. દરમિયાન બંને પાણીમાં ગરકાવ થતાં બહાર બેઠેલા અન્ય બાળકે બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તેમણે તાત્કાલિક જાણ કરતાં નગરપાલિકાના લાશ્કરોએ આવી પાણીમાં લાપત્તા બનેલા બંને બાળકોની શોધખોળ આદરી હતી. દરમિયાન પાણીમાં ડુબી ગયેલાં ગૌતમ ગોપાલ ઘીવાળા અને રાહુલ મનુભાઇ ઘીવાળાના મૃતદેહ મળી આવ્યાં હતાં. મૃતક બાળકોના પરિવારના આક્રંદે વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું.