/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-427.jpg)
અંકલેશ્વરમાં ગણેશજીની 26 ફૂટ ઉંચી પ્રતિમાને લાવતી વેળા વીજ કરંટ લાગવાથી બે યુવાનોના મોત થયા હતાં. આ ઘટના બાદ વહીવટીતંત્ર સફાળુ જાગ્યું છે અને 9 ફૂટથી વધારે ઉંચાઇવાળી ગણેશ પ્રતિમાઓની તપાસ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
ભરૂચમાં અધિક કલેક્ટર અંસારીની હાજરીમાં કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ, જાગૃત નાગરિકો અને ગણેશ મંડળના સંચાલકોની બેઠક યોજાઇ હતી. દર વર્ષે 9 ફૂટથી વધારે ઉંચાઇની પ્રતિમાઓની સ્થાપના પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવતું હોય છે પણ તેની અમલવારી કરાતી ન હોવાના આક્ષેપો થતાં આવે છે. અંકલેશ્વરની ઘટના બાદ આ વિવાદને હવા મળી છે. હવે વહીવટીતંત્રએ જી.પી.સી.બી., મામલતદાર, નગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત રીતે ટાસ્કફોર્સ બનાવી પી.ઓ.પી.ની મુર્તિ બનાવનાર, વેચનાર અને સ્થાપના કરનાર સામે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. ગણેશ ઉત્સવના લઈને તંત્રએ બહાર પાડેલ જાહેરનામાનો અમલ કોણ કરાવશે સહિતના મુદાઓ બેઠકમાં ચર્ચાયા હતાં. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જાહેરનામાનો અમલ કરાવવામાં અન્ય વિભાગોનો સાથ-સહકાર ન મળતો હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે અન્ય વિભાગો એક બીજાના માથે અમલ કરાવવાની જવાબદારી હોવાનું આગળ ધરી જાણે પોતાની જવાબદારીમાંથી છૂટી જતા હોય તેમ લાગતું હતું. જેથી જાહેરનામાનો અમલ કરાવનાર તંત્રમાં જ મતભેદ હોય તેવું લાગતું હતું.