ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમતનો વિદેશી શરાબ જિલ્લામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 માસમાં જ અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી કેટલાય બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ભરેલ ટેમ્પોની તલાસી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે ટેમ્પો નંબર MH-04-FD-9752માંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબ તેમજ બિયરના ટીન મળી કુલ 7363 નંગ બોટલો મળી રૂપિયા 11.62 લાખનો મુદ્દામાલ સાથે અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં રહેતા 3 બુટલેગરોની ધરપકડ કરી હતી, જ્યારે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.