/connect-gujarat/media/post_banners/6c9cb29064baeb3e34b1a330ce64b36b6c503e8a1a6ad7a63af9a64dd20c7272.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઇસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું, જ્યાં મોપેડ પર સવાર 3 ઇસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર ડોડીયા અંકલેશ્વર જુના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગતરોજ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સજોદ દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન લાલ રંગનું મોપેડ લઈને 3 જેટલા અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા, અને કડકીયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો. ત્યારબાદ તેઓ ચારેય અંતરિયાળ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા, તે સમયે એક યુવાને તેમના ગળા પર ચપ્પુ મુકી તેમની પાસે રહેલ મોબાઇલ તેમજ રોકડ 1,700 રૂપિયા કાઢી લીધા હતા. જે બાબતે મયુર ડોડીયાએ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપી ફેજાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ અને સમીર નાસિર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટના ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ અને મોપેડને પણ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર : ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ-રોકડની ચલાવનાર 3 શખ્સોની ધરપકડ...