Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

X

ભરૂચ જિલ્લામાં પૂરના સંકટ વચ્ચે અંકલેશ્વર તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી.

હાલ સરદાર સરોવરના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લાના નદી કાંઠા વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, ખાલપિયા, ધંતૂરિયા, કોયલી બેટ, બોરભાઠા બેટ, જૂના બોરભાઠા ગામ સહિતના વિસ્તારોમાંથી વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભરૂચમાં નર્મદા નદીમાં ભયાનક પૂરની પરિસ્થિતિ વચ્ચે આગામી કલાકોમાં પણ નર્મદા નદીમાં પાણી વધવાના સંકેત છે, ત્યારે અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા લોકોને સમજાવી સ્થળાંતર માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા નર્મદા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં પહોચી હતી, જ્યાં અંકલેશ્વરના મામલતદાર કે.જે.રાજપૂત સાથે વાતચીત કરી હાલની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

Next Story