/connect-gujarat/media/post_banners/1e1b8ede79a19f433100b348895ac85f738a924257ccfd4e9d663e8e2cae15d1.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત એવા જૂના સરફુદ્દીન ગામમાં અસરગ્રસ્તોને કેશડોલની સહાય નહીં ચૂકવાઈ હોવાની બુમરાણ વચ્ચે અંકલેશ્વર યૂથ કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત એવા જૂના સરફુદ્દીન ગામના આગેવાન ભરત વસાવા, અંકલેશ્વર યૂથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના ગ્રામજનોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 17મી સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગામમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ભારે નુકશાન થયું હતું. જે બાદ તંત્ર દ્વારા સર્વે કરી પૂર અસરગ્રસ્તોને કેશડોલની સહાય ચૂકવવામાં આવી રહી છે. પરંતુ જૂના સરફુદ્દીન ગામના અસરગ્રસ્તોને આજ દિન સુધી સહાય મળી જ નથી તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ગામમાં ફક્ત 30 લોકોને જ સહાય ચૂકવાઇ છે, જ્યારે ઘણા લોકોને હજી સુધી વળતર મળ્યું નથી. તેવા આક્ષેપ સાથે તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હવે વહેલી તકે સહાય નહીં ચૂકવાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.