ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મંજૂરી વગર બંધાયેલા 2 માળમાં શોપિંગ સેન્ટરને બૌડાએ સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સારંગપુર સ્થિત 2 માળના અનમ શોપિંગ સેન્ટરમાં બિલ્ડરે મંજૂરી વિના 16 દુકાન અને પાછળના ભાગે 8 મકાન બાંધી દીધા હતા. જોકે, તંત્રને ખિસ્સામાં લઇને ફરતો હોય તેમ બિલ્ડરે બૌડાની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કરી દેતા બૌડાએ લાલ આંખ કરી છે. જેમાં બૌડાએ ગેરકાયદે બાંધકામ રોકીને બેનર લગાવ્યું હતું. પણ બિલ્ડરે તેને પણ હટાવી લઇને બાંધકામ યથાવત રાખ્યું હતું. લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર 239ની જમીન પર સુરતના એક બિલ્ડરે બૌડાની જરૂરી મંજૂરી વિના જ બાંધકામ શરૂ કરી દીધું હતું. આ બાબતની જાણ થતાં બૌડાએ જે તે સમયે બાંધકામ અટકાવી બાંધકામ બંધ કરવા અંગે જરૂરી સૂચક બોર્ડ લગાવ્યા હતા. જોકે બિલ્ડરે ગ્રાઉન્ડ ફલોર પર 8 દુકાન તેમજ ઉપર 8 દુકાન મળી 16 દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું. જે બાદ અનમ શોપિંગ સેન્ટરની દુકાનોનું વેચાણ અને બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું. બૌડાની નોટિસોને બિલ્ડર ઘોળી પી જતો હોવાથી આખરે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દુકાન અને મકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો બૌડાએ જાહેર નોટિસ સાથેનું બેનર લગાવી બિલ્ડર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.