અંકલેશ્વર : ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન...
ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ભરૂચ-અંકલેશ્વર અને રોટરી ક્લબ ભરૂચ અંકલેશ્વરના સહયોગથી બ્લોક હેલ્થ મેળાનું આયોજન અંકલેશ્વરના ભડકોદ્રા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે બ્લોક હેલ્થ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરી પ્રત્યેક જવાબદાર નાગરિક આગળ આવી પોતાની ફરજ અદા કરશે તેવી પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ઝુંબેશનો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉર્જાવાન આગેવાની હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલિત આરોગ્ય વિભાગના સહયારા પ્રયત્નો થકી તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર દ્વારા આયોજીત અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ભરૂચ-અંકલેશ્વર અને રોટરી ક્લબ ભરૂચ અંકલેશ્વરના સહયોગથી બ્લોક હેલ્થ મેળાનું આયોજન અંકલેશ્વરના ભડકોદ્રા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું. બ્લોક હેલ્થ મેળાને મહાનુભાવો દ્વારા દિપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંસગિક પ્રવચન આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ બ્લોક હેલ્થ મેળામાં ઉપલબ્ધ તબિબ સેવાઓ, નિષ્ણાંત તબિબ ટીમની શ્રેણી અને તે સાથે સેવાસેતુ કાર્યક્રમમાં માફક ઘરબેઠાં સરકારી સેવાના લાભ મળી શકે તે માટે ઉપયોગી પી.એમ.જે.વાય. કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે કઢાવવા માટે કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ, ઉપપ્રમુખ તૃપ્તી જાની, ભડકોદ્રા ગામના સરપંચ સપના વસાવા તેમજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ જશુ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, નિષ્ણાંત તબિબની ટીમ, આરોગ્ય વિભાગના શાખાના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.