Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : માંડવીના બ્રેઇન ડેડ વ્યક્તિનું જયાબેન મોદી હોસ્પીટલમાં અંગદાન, 3થી 4 લોકોને મળશે નવજીવન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે 42 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે 42 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું. તેઓના અંગદાન થકી 3થી 4 લોકોને નવું જીવન મળી રહેશે.

સુરત જિલ્લાના માંડવી ગામના 42 વર્ષીય સ્વ. જયેશ પ્રજાપતિ પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તેઓ દેવમોગરા માતાજીના દર્શન માટે ગયા હતા, જ્યાં ડુંગર પરથી અચાનક પડી જતાં તેમને માથાના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હતી, ત્યારે તેઓને તાત્કાલિક ડેડીયાપાડા સી.એચ.સી. સેન્ટર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને વધુ સારી સારવારની જરૂરિયાતના પગલે ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના ઈમરજન્સી વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા ડોક્ટર દ્વારા તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તેઓનું બ્રેઇન ડેડ થયેલું છે. તા. 22 માર્ચ બપોરે 1 કલાકે હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. તેઓએ તેમજ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડો. જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુ.ના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વ. જયેશ પટેલના કુટુંબીજનો સાથે કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા. અંગદાનથી અન્ય 3-4 લોકોને નવું જીવન દાન આપી શકાય છે, ત્યારે સ્વ. જયેશ પટેલના અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું છે. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ તેમજ હૈદરાબાદની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ઉપસ્થિત રહી હતી. આ નવીનતમ ઘટનાને હોસ્પિટલના ડે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલિવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખ હેઠળ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ દ્વારા સ્વ. જયેશ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરી પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story