અંકલેશ્વરમાં રૂ.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વરમાં આવેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના બિલ્ડિંગનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અંકલેશ્વર ITI બિલ્ડિંગનું રૂ. 37 કરોડના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે નવ નિર્મિત બિલ્ડીંગને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા તો સાથે જ વિદ્યાર્થીઓને રોજગારી પૂરી પાડનાર ઉદ્યોગોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે ભરુચ જિલ્લો રોજગારીની દ્રષ્ટિએ અવલ્લ છે. આજે અત્યાધુનિક બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓને પધ્ધતિસરની તાલીમ આપવામાં આવશે અને સ્કિલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.