અંકલેશ્વર શહેરમાં દિવસ દરમિયાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માગ પ્રબળ બની છે. ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે.
અંકલેશ્વરની જિનવાલા સ્કૂલમાં આવેલ હોલ ખાતે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની અધ્યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતાં વિસ્તારના લોકોની સમસ્યા જાણવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા અંગે આગેવાનોએ રજૂઆત કરી હતી જે પ્રશ્ન અંગે પોલીસ દ્વારા તાજેતરમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી.આ ઉપરાંત વ્યાજખોરોને લઇ બનતા બનાવો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાંથી પસાર થતા ભારે વાહન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ માટે બાંહેધરી આપી હતી.