ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જેમાં બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે કેમિકલ એન્જીનીયરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, અંકલેશ્વર જીઆઇડીસીમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં. એલ-15માં આવેલ એસ્ટ્રો કેમ ફાર્મા બીલ્ડીંગમાં આવેલ ગોડાઉનમાં નયન ઉમરેઠીયા ગેરકાયદેસર રીતે અલગ-અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીભર્યું આચરણ કરી જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકીંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલ કરે છે, અને તેના ગોડાઉનમાં હાલ કામ ચાલુ હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.
દરોડામાં ગોડાઉનમાંથી અલગ-અલગ ઇલેક્ટ્રોનિક મશીન, અલગ-અલગ જંતુનાશક દવાઓના બોટલ, પ્લાસ્ટીકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકરો મળી આવ્યા હતા. જોકે, બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખેડૂતો સાથે થતી છેતરપિંડીનો પોલીસે પર્દાફાશ કરો છે, ત્યારે સમગ્ર મામલે રૂ. 8.53 લાખના મુદ્દામાલ સાથે 27 વર્ષીય કેમિકલ એન્જીનીયર નયન ઉમરેઠીયાની અટકાયત કરી CRPC કલમ 41(1)D મુજબ અંક્લેશ્વર રૂરલ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.