ગુજરાતના નશેબાજોએ દારૂના સેવનમાં બિહાર અને રાજસ્થાનના નશેબાજોને પણ પાછળ રાખી દીધાં હોવાના અહેવાલ સામે આવ્યાં છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે. આ ઉપરાંત કોરોનાની મહામારીના કારણે આર્થિક તંગીના કારણે અનેક લોકો હવે બેનંબરના વ્યવસાયમાં ઝંપલાવી રહયાં છે ત્યારે દારુનો વેપલો ચલાવી અઢકળ નાણા કમાવાના બુટલેગરના શમણાને પોલીસે તોડી નાંખ્યું છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામે આવેલી ગ્રીન એવન્યુ સોસાયટીમાં દરોડો પાડયો હતો. જેમાં મકાન નંબર 49 માંથી દારુ તથા બીયરની પાંચ હજાર કરતાં વધારે બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સુરતના તરસાડી ખાતે રહેતાં જીજ્ઞેશ ઉર્ફે જીગા પટેલની ધરપકડ કરી છે. તેની પાસેથી દારૂ અને વૈભવી કાર સહિત 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જીગાને દમણથી રાજુ નામના ઇસમે દારૂનો જથ્થો મોકલ્યો હોવાની વિગતો સામે આવી છે.