Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સુરવાડીમાં ફરી વકર્યો રેલ્વે દબાણની કામગીરીનો વિરોધ, ચૂંટણીના બહિષ્કાર સાથે ગ્રામજનોમાં રોષ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા થોડા દિવસો પહેલા દબાણ હટાવવા અર્થે સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા થોડા દિવસો પહેલા દબાણ હટાવવા અર્થે સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કાર સાથે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા થોડા દિવસો પહેલા સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી, જ્યાં દબાણ દૂર કરવા સહિત મકાનો તોડી પાડવાની કાર્યવાહીના ભાગરૂપે નોટિસ મળતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે સ્થાનિકો કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરવા પહોચ્યા હતા. પરંતુ આજદિન સુધી અહીના સ્થાનિકોને કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળતા ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે.

જોકે, રેલ્વે વિભાગ દ્વારા દબાણ પૂર્વે જાણ કર્યા વગર જ દબાણ હટાવાની કાર્યવાહીને યોગ્ય ન ગણાય તેવો પણ સુરવાડીના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. વર્ષોથી અહી રહેતા પરીવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે, ત્યારે કહી શકાય કે, રેલ્વે અને સુરવાડી ગામ વચ્ચેનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. એટલું જ નહીં, સ્થાનિકોએ અહી પ્રચાર અર્થે આવતા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોને પણ આ મામલે રજૂઆતો કરી હતી. અંતે નિરાશ સુરવાડીના ગ્રામજનોએ મુખ્ય માર્ગમાં લાકડાની આડસ મુકી રસ્તો બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત જો, આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story