અંકલેશ્વર : ટેમ્પોમાં સોફાસેટની આડમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ, 2 ઇસમોની ધરપકડ

સોફાસેટના ફર્નીચરની આડમાં ડ્રાઈવરની પાછળ બનાવેલ ચોરખાનામાંથી પોલીસે વિદેશી દારૂની ૩૮૯૮ નંગ બોટલ જપ્ત કરી

New Update
અંકલેશ્વર : ટેમ્પોમાં સોફાસેટની આડમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ, 2 ઇસમોની ધરપકડ

ભરૂચ જિલ્લા સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આનંદ રેસ્ટોરન્ટ સ્થિત કે.પટેલ કેમો ફાર્મા કંપની પાસેની દીવાલ નજીકથી ટેમ્પોમાં સોફાની આડમાં લવાયેલ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ચાલક સહીત 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

રાજ્યમાં પ્રોહીબીશન જુગાર અને અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તરફથી બંધ બોડીનો મહિન્દ્ર ટેમ્પો જીજે-૧૯-વાય-૨૪૮૮માં સોફાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અંકલેશ્વરની વાલિયા ચોકડી આનંદ રેસ્ટોરન્ટ પાસેથી જીઆઈડીસી તરફ જનાર છે, જેવી બાતમીના આધારે, સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવી કે.પટેલ કેમો ફાર્મા કંપની પાસેની દીવાલ નજીક ઉભો રહેતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પોમાં તપાસ કરતા તેમાં સોફાસેટના ફર્નીચરની આડમાં ડ્રાઈવરની પાછળ બનાવેલ ચોરખાનામાંથી પોલીસે વિદેશી દારૂની ૩૮૯૮ નંગ બોટલ જપ્ત કરી હતી. પોલીસે ૫.૩૯ લાખનો દારૂ અને 3 ફોન તેમજ ૬ લાખનો ટેમ્પો મળી કુલ ૧૧.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સમગ્ર મામલે સુરતના લીંબાયત વિસ્તારની શિવ પાર્કમાં રહેતો ટેમ્પો ચાલક અરવિંદકુમાર શિવશંકર તીવારી અને મહારાષ્ટ્રના પાલઘરના ઇમરાન વઈશ ખાનને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.