પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નર્મદા નદીમાં આવેલ ભારે પૂરના કારણે અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભારે તારાજી સર્જાય છે. પૂરના પગલે લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં તણાઇ જતાં સ્થાનિકોની દયનીય હાલત જોવા મળી હતી. તંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ પૂરગ્રસ્તોને સહાય કરવા ગામે ગામ એક કરી રહ્યા છે, ત્યારે પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. બોરભાઠા બેટ ગામમાં પૂરના પગલે બેઘર બનેલા લોકોને જીવન જરૂરિયાતની સામગ્રી જેવી કે, થાળી, વાટકી, ચમચી અને ફિનાઇલ ડોલ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણના કાર્યક્રમમાં પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણસિંઘ જોલી તેઓની ધર્મપત્ની સાક્ષી જોલી, તુષાર પટેલ અને જયદીપ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.