ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે નવા દિવા ગામે વિદેશી દારૂ સગેવગે કરતા પહેલાં જ દરોડા પાડી રૂપિયા 1.10 લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નવરાત્રીના બંદોબસ્તમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પોતાના ઘરે એક સંઘ પ્રદેશના પાર્સિંગની ગાડી નંબર DN 09 L 2374માં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યો છે, ત્યારે શહેર પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા દરોડા પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 996 નંગ બોટલની કિંમત રૂ. 1.10 લાખ સહિત કુલ રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલ કાર ચાલક સહિત કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.