અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રસ્તાઓનું રીપેરીંગ કરવા આવેલો કોન્ટ્રાકટર સ્થાનિક રહીશોના રોષનો ભોગ બન્યો હતો. ભરૂચ જીલ્લામાં જન આશીર્વાદ યાત્રા માટે રાજ્યના કેબીનેટ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ૮૦% રોડ-રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ થવા આવ્યું છે. પણ અંકલેશ્વર જીઆઇડીસીમાં હજી રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવ્યું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રીના દાવાઓને કોંગ્રેસ ખોટા ગણાવી ચુકયું છે. કોંગ્રેસે 24 કલાક અગાઉ જ જીઆઇડીસીના રસ્તાઓના રીપેરીંગ માટે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી જેના પગલે રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરાય હતી પણ ગાયત્રી નગર સોસાયટીના રહીશોએ પેચવર્કની કામગીરી અટકાવી દીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ગાયત્રી સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારની સ્થાનિક મહિલાઓ ડ્રેનેજની માંગ સાથે રસ્તા પણ ઉતરી આવી હતી..
જીઆઇડીસી નોટિફાઇડ એરિયાના કોન્ટ્રાક્ટરે રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીને રહીશોએ અટકાવી દીધી હતી અને તેનું કારણ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ જેટલા વર્ષોથી આ રોડની માંગણી હોવા છતાં પેચવર્કથી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે. આ રોડ ખરાબ હોવાના કારણે અવારનવાર અકસ્માતો તેમજ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઇ છે. જીઆઇડીસીના અન્ય રસ્તા એકદમ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે આવનારા દિવસોમાં રોડ નવો બનાવવામાં નહિ આવે તો રોડ બંધ કરવાની ચીમકી પણ રહીશોએ આપી છે.