અંકલેશ્વર ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોક દરબારમાં અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિઓ, ડીવાયએસપી, અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ, અને રૂલર પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે આધારે જિલ્લા પોલીસ વડાએ પોલીસ વિભાગને પણ ખાસ સૂચનાઓ આપી હતી. આ લોક દરબારમાં મુખ્ય મુદ્દો ટ્રાફિકની સમસ્યાનો રહ્યો હતો. અંકલેશ્વર પંથકમાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે ત્યારે જિલ્લા પોલીસવડાએ ટ્રાફિક ઇન્ચાર્જને પણ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરા એક મહત્વનું માધ્યમ હોય છે જેથી અનેક લોકોએ સીસીટીવી કેમેરા લગાડવાના મુદ્દે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. સાથે રોડ પરના સિગ્નલ બંધ હોવાને કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી.