ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ આર.એમ. સ્કૂલ અને એક નવનિર્મિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ સાથે જ જૂના દીવા ગામમાંથી ઇકો કારના સાયલેન્સર તેમજ ટ્રેક્ટરની બેટરીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેખોફ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર એ’ ડિવિઝન વિસ્તારના હાંસોટ માર્ગ પર આવેલ રતનનગર સોસાયટી અને બાજુમાં આવેલ આર.એમ. પટેલ હાઇસ્કુલમાં ગત રાત્રીએ દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ ચોરી ઘટનાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મકાન અને સ્કૂલમાં ચોરી કરવા આવેલા તસ્કરો ભોંઠા પડ્યા હતા. તસ્કરોએ નવીન મિસ્ત્રીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જે મકાન હાલ નિર્માણ હેઠળ હોવાથી મકાનમાં તસ્કરોને કઈ જડ્યું ન હતું, ત્યારે તસ્કરોએ બાજુમાં આવેલ આર.એમ.પટેલ સ્કૂલને પણ નિશાન બનાવી હતી. જેમાં પણ તસ્કરોને માત્ર સ્કૂલને લગતા કાગળ સિવાય કોઈ વસ્તુ હાથ લાગી ન હતી. ચોરીની ઘટના બાબતે સ્કૂલના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ જાદવે આ ચોરી કોઈ જાણભેદુ વ્યક્તિએ કરી હોવાનું અનુમાન લગાવી જણાવ્યું હતું કે, ગત મંગળવારના દિવસે સ્કૂલ ખાતે પરીક્ષાલક્ષી અને વાલી મિટિંગ હોવાથી ફીનું કલેક્શન હોય ટ્રસ્ટીગણે તકેદારીના ભાગરૂપે ફીની રકમ સ્કૂલમાં ન મુકતા તસ્કરો દ્વારા સ્કૂલના દરવાજાનો નકુચો તોડી ઓફીસમાં પ્રવેશ કરી ચોરી કરવામાં નિરાશા મળી હતી. આ બાબતે એ’ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ, અંકલેશ્વરના જૂના દીવા ગામે પણ તસ્કરોએ આતંક મચાવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગામો અને શહેરી વિસ્તારોમાં ઘર આંગણે પાર્ક કરેલી ઈકો કારમાંથી સાયલેન્સર ચોરીના બનાવો બનતા વાહન માલિકો અને પોલીસની ઊંઘ ઊડી છે. ગતરોજ રાત્રે તસ્કરો દ્વારા જૂના દિવા ગામના સામજી ફળીયામાં રહેતા હરેશ સોમા વસાવાએ પાર્ક કરેલી ઈકો કારમાંથી સાયલેન્સર, કારમાં લાગેલી એલીડી મ્યુઝિક સિસ્ટમ, ગામમાં જ પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરી સહિત રૂ. 2 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ મામલે વાહન માલિકે એ’ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ચોરી અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.