/connect-gujarat/media/post_banners/348bdf44edc3b9e7da22b31336a82a5be1f13e54ec2e0d849436522ee945d9b1.jpg)
સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે, ત્યારે ભરૂચ લોકસભા વિસ્તારના રામભક્તો ભગવાન રામના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના થતાં સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા સાથે વિદાય આપી હતી.
ભરૂચ સહિત જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામભક્તોને આયોધ્યા ખાતે રામજીના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લામાંથી રામભક્તો દર્શન માટે અયોધ્યા રવાના થઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ લોકસભા વિસ્તારના 1,474 રામભક્તો અયોધ્યા જનાર હોય જેઓનો શુભેચ્છા વિદાય સમારોહ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. તેવામાં શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા ખાતે જઈ શકે તે હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે ભરૂચના રામ ભક્તોના અયોધ્યા ગમનના પગલે ભરૂચ રેલ્વે સ્ટેશન જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જોકે, 5 સૈકાની પ્રતિક્ષા બાદ આસ્થાના ભગવાન રામના બનેલ ભવ્ય રામ મંદિર માટે આભાર વ્યક્ત કરવા સાથે રામ ભક્તોને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી.