ભરૂચમાં વરસાદી માહોલ યથાવત. બે દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે જનજીવન થયું પ્રભાવિત.
ભરૂચ જિલ્લામાં આગામી 1 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સતત વરસતો વરસાદ આફત બન્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જીલ્લામાં ૧૪ કલાકમાં જ મૌસમનાં ૧૨ ટકા જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. અવિરત વરસાદની પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરૂચમાં વરસેલા મુશળધાર વરસાદનાં કારણે લીંક રોડ પર આવેલી અયોધ્યા નગર શ્રીજી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
જયારે શહેરના ફુરજા વિસ્તારમાંથી પાણીનો વહેતો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો જેમાં પાણીનાં પ્રવાહમાં ટેમ્પો પણ તણાતો જોવા મળ્યો હતો.
બીજી બાજુ ભારે વરસાદના કારણે એસ.તી. ડેપો નજીક આવેલ ઇન્દિરા નગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા હતા. અને માલ સામાનને નુકસાન પહોચ્યું હતું.
તો ભરૂચમાં અવિરત વરસતા વરસાદની અસર અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈ-વે પર જોવા મળી હતી. જ્યાં કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ હતી.