/connect-gujarat/media/post_banners/ef3391694176d445b5c58075344757c05462f4010d4e732e64cc43e42cb524be.jpg)
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ CCTV ફૂટેજના આધારે 35 મોંઘીદાટ સાયકલની ચોરી કરનાર 2 ઇસમોને રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી' ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાયકલ ચોરીના દાખલ થયેલ ગુન્હાઓ તાત્કાલીક શોધી કાઢવા સૂચના અપાય હતી, ત્યારે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી આરોપી સુધી પહોચવા પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમ્યાન સી' ડિવિઝન પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો, ત્યારે તુલસીધામથી ઝાડેશ્વર તરફના માર્ગ પર સાયકલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર આવી સીસીટીવી ફૂટેજ તપાસતા એક વ્યક્તિ લોક ખોલીને સાયકલ લઈ જતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં સાયકલ લઈને ફરાર થયેલ ઈસમ આરીફ અલ્લીમીયા શેખ મળી આવતા તેને રોકી સઘન પૂછપરછ કરી હતી, ત્યારે આરીફ શેખે પોતાના આર્થીક ફાયદા માટે છેલ્લા 3-4 માહિનામાં શહેરની વિવિધ શાળા સહિતના અન્ય વિસ્તારોમાંથી સાયકલોની ચોરી કરી હોવાની પોલીસને કબૂલાત આપી હતી. ત્યારબાદ આરીફ શેખ ચોરી કરેલી તમામ સાયકલ નબીપુર ખાતે રહેતા દિન મહોમ્મદ સલીમ મલેકને આપતો હોવાનું જણાવ્યુ હતું. જેથી નબીપુર ખાતે જઈ તપાસ કરતા સહ આરોપી પાસેથી પોલીસને વધુ 34 જેટલી સાયકલ મળી આવી હતી, ત્યારે સી' ડિવિઝન પોલીસે કુલ 35 મોંઘીદાટ સાયકલો તેમજ મોબાઈલ ફોન મળી રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.