ભરૂચ રેલ્વે સ્ટેશન પર નિર્માણ પામેલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લેગ માસ્ટના સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવના વડોદરા વિભાગના ભરૂચ રેલવે સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજનુ લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા ડીઆરએમ અમિત ગુપ્તા અને ડીઆરયૂસીસી મેમ્બર જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય નાગરીકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ.આ ફુટ ઓવર બ્રિજ પ્લેટફોર્મ નંબર એક, બે,ત્રણ તથા ચાર અને પાંચને પશ્ચિમ વિસ્તારને રેમ્પની સુવિધા સાથે જોડે છે.
જેને પરિભ્રમણ સાથે પૂર્વ વિસ્તાર સુધી લંબાવવામાં આવ્યો છે. જેનાથી મુસાફરો સ્ટેશનના કોઇપણ પ્લેટફોર્મ પરથી સીધા જ પૂર્વ ઝોનના ફરતા વિસ્તારમાં પહોચી શકે છે.આ ફુટ ઓવર બ્રિજ રેલવે વિભાગ દ્વારા રૂ. ૧.૭૫ કરોડ રૂપિયાના ખર્ચ થી વિસ્તારીકરણ કરવામાં આવ્યો છે. તે ૨૮.૬૦ મીટર લાબો અને ૩ મીટર પહોળો છે. માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહી પરંતુ વિકલાંગ લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે.આ ઉપરાંત ભરૂચ રેલ્વે સ્ટેશન પર સ્મારક ધ્વજ-મોન્યુમેન્ટ નેશનલ ફલેગ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે તેમજ રેલવે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રોત્સાહન આપશે.