Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગમાં જર્જરિત શાળાનો સ્લેબ તૂટી પડતા 8 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાય

ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ

X

ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં 59 વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ 10ની 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ભરૂચના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે.

મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 1964 માં સ્થપના કરાઈ હતી. શાળા 59 વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ હતી.આજે શુક્રવારે બપોરે 12.30 કલાકે જ ધોરણ 10ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે જ એકાએક જર્જરિત છતની સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા છાત્રાઓની બુમરાણ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.

છત પરથી મોટો પોપડો તૂટી પડતા 8 થી વધુ વિદ્યાર્થીઓને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. શાળા સંચાલકો પણ ગભરાટ વચ્ચે રઘવાયા બની દોડતા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ધારાસભ્ય રીતેશ વસાવા પણ સ્થળ પર દોડી આવ્યા હતા.લોહી નીકળતી હાલતમાં ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાય હતી.જ્યાં વધુ ઇજાગ્રસ્ત છાત્રાઓને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ઘટનામાં હાલ તો વિધાર્થીનીઓનો ચમત્કારિક બચાવ થયો છે અને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે.

Next Story