/connect-gujarat/media/post_banners/8aa40d7fea3051868fe1b7a7513836d103e305edb817ec4dd20ea6f7c3053d53.jpg)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા રેડ ક્રોસ સોસાયટી-ભરૂચ એકમના સહયોગથી આમદડા ગામની પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા રેડ ક્રોસ સોસાયટી એકમના સહયોગથી આયોજિત કેમ્પમાં ગ્રામજનોને અભિનંદન પાઠવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરપંચ તથા ગામના અગ્રણીઓના ભગીરથ પ્રયાસ થકી આ પ્રકારના જનઉપયોગી કાર્યોનું આયોજન થયું છે.
આ ઉપરાંત ગામજનોના માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ યુવાનો તથા ગામજનો જોડાય તેવી હિમાયત કરી હતી. ખાસ કરીને સ્ત્રીઓને આરોગ્યની દરકાર અંગે જાગૃતતા કેળવવા અલગથી કેમ્પ યોજવાની નેમ વ્યક્ત કરી હતી. બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન ગામજનોને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો તથા કિટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ રંજન ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મી ટંડેલ, આમદડા સરપંચ પ્રદ્યુમનસિંહ ચુડાસમા, નાયબ કલેક્ટર યુ.એન.જાડેજા, આમદડા શાળાના આચાર્ય અને શિક્ષણગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.