ભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો

New Update
ભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત

દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો. ભરૂચના નબીપુર હાઇવે પર ભૂખીખાડી નજીક સિક્સલન હાઇવે પર બે લેનનો છોડી દેવાયેલા સાંકળા બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી.દમણથી 50 થી વધુ ભક્તોને લઈ લકઝરી બસ સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જઈ રહી હતી. રાતે 12 વાગ્યા બાદ ખાનગી બસ નબીપુર હાઇવે પર ભૂખી ખાડી પરથી પસાર થઈ રહી હતી.ત્યારે અચાનક સાકળા બ્રિજના પગલે બસ ધડાકાભેર આગળ ચાલતી ટ્રકની પાછળ ઘુસી જતા શ્રધ્ધાળુઓની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.

Advertisment

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. પોલીસ, 108 અને અન્ય વાહન ચાલકોએ ઇજાગ્રસ્ત 18 શ્રદ્ધાળુઓને બહાર કાઢી તાબડતોબ સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા.અકસ્માતમાં બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘુસી જતા કેબીનનો કચ્ચરઘાણ વળી જતા લકઝરી ડ્રાઈવર ફસાઈ ગયો હતો. જીવલેણ ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને 108 ની ટીમે અઢી કલાક સુધી ફસાયેલી હાલતમાં જ સારવાર આપી હતી. જે બાદ JCB અને ક્રેઇન આવતા તેને પતરાચીરી બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

Advertisment