ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું હોવાના પરિવારજનોના આક્ષેપ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી.

New Update
ભરૂચ: ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનુ મોત નીપજયું હોવાના પરિવારજનોના આક્ષેપ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં કમરની દબાતી નસનું ઓપરેશન કરાવવા દાખલ થયેલા 34 વર્ષીય યુવાનનું તબીબોની બેદરકારીના કારણે મોત નીપજયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ભરૂચની જે.બે.મોદી પાર્ક પાસે આવેલી દેવ દર્શન સોસાયટીમાં 34 વર્ષીય વિનયકુમાર પટેલ પત્ની અને 9 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. જેઓ દહેજની ઇજેટ કંપનીમાં ફરજ બજાવતા હતા. કમરના દુખાવાની ફરિયાદ સાથે યુવાન ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં જતા એમ.આર.આઈ.માં નસ દબાતી હોવાનું નિદાન તબીબોએ કર્યું હતું.જે માટે ઓપરેશનની તારીખ નક્કી કરાતા વિનય પટેલ 22 જૂને હોસ્પિટલમાં બપોરે 2 વાગે દાખલ થયા હતા.

અને 2.20 કલાકે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા.સાંજે 4.20 કલાકે ઓપરેશન પૂરું થયું હતું.જે બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી. આ અંગે પરિવારજનોના આક્ષેપ અનૂસાર હોસ્પિટલ સ્ટાફે પરિવારના સભ્યોને અંદર પણ જવા દીધા ન હતા ત્યાર બાદ હદય રોગના હુમલાના કારણે મોત નીપજયું હોવાનું હોસ્પિટલ સ્ટાફ તરફથી જણાવવામાં આવ્યું હતું. આ બાબતે પરિવાર અને સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તબીબો સામે કાયદેસરની કાર્યવાહી અને વળતરની માંગ કરવામાં આવી છે.