ભરૂચ : આમોદના ઇટોલા ગામે કહેવાતો પત્રકાર મહિને 40 ટકાના વ્યાજે રૂપિયા ઉઘરાવતા નોંધાય પોલીસ ફરિયાદ..

ખેડૂતે લીધેલા રૂ. 2 લાખ સામે રૂ. 8.70 લાખ આપવા છતાં વ્યાજખોર 90 હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો

New Update
ભરૂચ : આમોદના ઇટોલા ગામે કહેવાતો પત્રકાર મહિને 40 ટકાના વ્યાજે રૂપિયા ઉઘરાવતા નોંધાય પોલીસ ફરિયાદ..

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાંથી વ્યાજખોરીનો સનસનીખેજ કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે લીધેલા રૂ. 2 લાખ સામે રૂ. 8.70 લાખ આપવા છતાં વ્યાજખોર 90 હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો હોવાનું તેમજ 7 બ્લેન્ક ચેક લખાવવા સહિત જબરજસ્તી ટ્રેક્ટર અને ઘર પણ ગીરવે લખાવી લીધું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના ઈટોલા ગામે રહેતા ઇમરાન જાદવ પત્ની, માતા અને 3 દીકરીઓ સાથે સરદાર આવાસમાં રહે છે. તેઓ પોતાની અને દાણ પર રાખેલી જમીન ખેડી ગુજરાન ચલાવે છે. જેમના પિતા અબ્દુલભાઈને કેન્સર હોય જેથી રૂપિયા 2 લાખ સગા વ્હાલા પાસેથી લીધા હતા. જોકે, પિતાનું 2022માં મૃત્યુ થયા બાદ સબંધીઓને રૂપિયા ચૂકવવા ગામના જ વ્યાજનો ધંધો કરતા ઇકબાલ ઉર્ફે સમસુ મહંમદ જાદવ પાસેથી નવેમ્બર 2022માં મહિને 40 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા લીધા હતા. જેનું મહિને 80 હજાર વ્યાજ આપવા છતાં વ્યાજખોરે 7 કોરા ચેક લખાવી લીધા હતા.

અને મે 2023માં નવું ટ્રેક્ટર પણ જબરજસ્તીથી ગીરવે લખાવી લઈ ગયો હતો. ખેડૂતે રૂ. 2 લાખ સામે ઇકબાલને કુલ રૂ. 8.70 લાખ આપવા છતાં ઉઘરાણી ચાલુ રહેતા કેરવાડાના ઈમ્તિયાઝભાઈ પાસેથી રૂ. 2 લાખ લઈ મુદ્દલ રકમ ચૂકવી આપવા છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રહેતા ફોઈની દીકરી રિહાના પાસેથી દોઢ લાખ રૂપિયા લઈને ચૂકવ્યા હતા. છતાં વ્યાજખોર ખેડૂતના ઘરે આવી ટ્રેક્ટરનો સામાન, પમ્પ તથા અન્ય સાધનો સાથે 5 બકરાં મળી રૂ. 90 હજાર કિંમતની ચીજવસ્તુ ટેમ્પામાં લઇ ગયો હતો. અંતે ખેડૂતે આમોદ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે કહેવાતા પત્રકાર અને લાકડાના વેપારી ઇકબાલ ઉર્ફે સમસું જાદવની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories