ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની
કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ
તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો
જમીન પચાવી પાડી હોવાનો આરોપ
કોર્ટમાં દાવો દાખલ કરાયો
ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.