/connect-gujarat/media/post_banners/a3fc4ac2a4075a775785a48901613f5154ada4f0b660a6d549aef8d3e319cbf1.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડીયામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ખરાબ રસ્તાના કારણે અકસ્માતોની વણજાર યથાવત રહી છે, ત્યારે ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે, જેના કારણે અકસ્માતો વધ્યા છે.
સારસા ગામ નજીક માર્ગ પર ટ્રક અને ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઈ રહેલ પેસેન્જર ભરેલી ઇકો કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર મહિલાઓ સહિત 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોને 3 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાની નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ખરાબ રસ્તાના કારણે વારંવાર સર્જાતા અકસ્માતોથી કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાઈની વાત નથી. હાલ તો SOUને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે અત્યંત બિસ્માર બનવાના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.