/connect-gujarat/media/post_banners/5876d57d6636ffb74cf769db5e366ca767389b6758862a9ef48d669fa69579ef.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ નજીક પૂર ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રકે બાઈકસવાર વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જયારે અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સુરેન્દ્રભાઈ સોલંકી અને આસિફ અબ્બાસ પટેલ મોટર સાઇકલ નંબર GJ-16-BE-2815 લઇ વાલિયાની પોલિટેક્નિક કોલેજ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના પનિયારીના ભયજનક વળાંક પાસે સામેથી માતેલા સાંઢની જેમ ધસી આવેલ હાઇવા ટ્રક નંબર GJ-05-BU-1189ના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ત્રાલસા ગામના વતની હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જયારે આશીફ પટેલને ઈજાઓ પહોંચતા તેને પ્રથમ વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો વાલિયા માર્ગ ઉપરથી માટી, રેતી અને કપચી સહિતનું મટીરીયલ ભરી આડેધડ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે.