આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભરૂચ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહ રચના ઘડી કાઢવા સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચૈતર વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે આપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી જામીન પર મુક્ત થતાં જ ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકસંપર્ક સાથે કાર્યકરોની બેઠકોનું આયોજન કરી ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે. જેમાં ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આપની સંકલન બેઠક મળી હતી. જેમાં ભરૂચની જનતા અને ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, સહિત શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.