Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પેપર લીક મામલે AAPનો વિરોધ, અસિત વોરાને હટાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદન

પેપર લીક મામલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

X

પેપર લીક મામલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. AAPના કાર્યકરોએ અસિત વોરાને હટાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજ્યમાં દિવસેને દિવસે બેરોજગારીનો દર વધી રહ્યો છે અને રોજગારીની તકો ઘટી રહી છે. જોકે, સરકારી ભરતીઓની જાહેરાત તો થાય છે પરંતુ તેમાંય પેપર લીકના કૌભાંડ થઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના પ્રકરણમાં હજારો યુવાનોની તૈયારીઓ અને સપના ઉપર પાણી ફરી વળ્યું છે. જે લોકો મુખ્ય ગુનેગાર હોવાની સંભાવના છે એવા મોટા માથાઓને સરકાર છાવરી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અસિત વોરાને હટાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50 હજાર ચૂકવવામાં આવે તથા નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી.

Next Story