અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની હદમાં બનાવવામાં આવનારા હવાઈ મથક તેમજ કાર્ગો સર્વિસ માટે બે દાયકા અગાઉ યોજનામાં થયેલા વિલંબ પાછળના કારણો તપાસવા આજે વિધાનસભા દ્વારા નિયુક્ત કરાયેલ જાહેર હિસાબ સમિતિ અંકલેશ્વર આવી પહોંચી હતી.
અંકલેશ્વર તાલુકાના અમરતપુરા થી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય અને સમિતિના ચેરમેન પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યોનો સમાવેશ થતો હતો.આ કમિટીએ ગાંધીનગરની નીકળી સીધી જ એર સ્ટ્રીપની જગ્યાએ વિઝિટ લીધી હતી અને ત્યાં જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી અને બે દાયકાથી વધુ સમયગાળો આ યોજનામાં કેમ થયો તે અંગેના પ્રશ્નોની ઝડી વરસાવતા ઉપસ્થિત વિવિધ સરકારી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતના ઉદ્યોગ જગતના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.એર સ્ટ્રીપ તેમજ કાર્ગો સર્વિસનો લાભ ભરૂચ જિલ્લાના ઉદ્યોગજગતને સમયસર આપવામાં આટલો વિલંબ કેમ થયો તેના કારણો અને અત્યાર સુધી થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ કમિટી સમક્ષ દિન ૧૫માં રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે નજીકના ભવિષ્યમાં ભરુચ જીલ્લામાં એર સ્ટ્રીપ શરૂ થાય એવી આશા હવે દેખાય રહી છે