Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બંદૂકની અણીએ ઉદ્યોગપતિનું પોર નજીક અપહરણ કરી રૂ. 15.48 લાખની થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો...

વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી પરિચિત્તે નર્મદા ચોકડીથી લઈ જઈ વડોદરાના પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી તેમજ લૂંટ ચલાવી હતી,

X

ભરૂચ શહેરના એક ઉદ્યોગપતિને વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી પરિચિત્તે નર્મદા ચોકડીથી લઈ જઈ વડોદરાના પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રૂ. 15.48 લાખની ખંડણી તેમજ લૂંટ ચલાવી હતી, ત્યારે આ મામલે ભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

ભરૂચ શહેરના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે. ઉપરાંત તેઓ દહેજના અલાદરા અને સુરતના બોરસરામાં મહાવીર મિનરલ્સ નામની ફેકટરીઓ પણ ધરાવે છે. જેઓ મરીન અને ફોસ્ફો જીપ્સમમાંથી જીપ્સમ પાઉડર બનાવવાનો વ્યવસાય કરે છે. ધંધાર્થી સંબંધોને લઈ 9 મહિના પહેલા તેમનો પરિચય ભીમસિંગ ઉર્ફે ભીમો સાથે થયો હતો. ગત તા. 11 એપ્રિલે ભીમસિંગે અપૂર્વને સતત ફોન કરી વડોદરામાં સારી ક્વોલિટીનું જીપ્સમ હોવાનું કહેતા અપૂર્વ શાહ ભરૂચ પોતાના ઘરે આવી રોકાયા હતા, જ્યાંથી તા. 13 એપ્રિલે નર્મદા ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ભીમસિંગ સહિત અન્ય વ્યક્તિઓ સાથે વડોદરા જવા નીકળ્યા હતા. આ દરમિયાન કરજણ ટોલ ટેક્સ પસાર થયા બાદ ભીમાએ ગાડી હું ચલાવી લેવાનું કહી પોર તરફ આગળ હંકારી હતી. આ દરમિયાન હરિયાણા પાસિંગની બોલેરો કારે તેમની ક્રેટાને આંતરી હતી.

ત્યારબાદ પોરથી 5 કિમિ અંદર અવાવરું જગ્યાએ કાર થોભાવી ક્રેટામાં બેસેલી વ્યક્તિએ અપૂર્વને દેશી બંદૂક બતાવી કારની પાછલી સીટમાં બેસી જવા કહ્યું હતું. જે વેળા બોલેરોમાંથી અન્ય 2 લોકો ક્રેટામાં વેપારીની આજુબાજુ બેસી ગયા હતા. વેપારીના પેટ પર બંદૂક મૂકી તેની પાસેથી આરોપીઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. હવામાં ફાયરિંગ કરી માર મારી રૂપિયા માંગતા ફેક્ટરી માલિકે તેઓના પરિચિતોને ભરૂચ, વડોદરા, પાનોલી અને મુંબઈ ફોન કરી રૂ. 11 લાખથી વધુ રોકડ રકમની વ્યવસ્થા મોતના ડરથી કરાવી હતી. ત્યારબાદ બોલેરો કારમાં સવાર આરોપીઓ અલગ અલગ સ્થળોએથી રૂપિયા લઈ આવ્યા હતા. જોકે, ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી વેપારીને તેની જ કારમાં બાંધી દેવામાં આવ્યો હતો. વધુમાં વેપારીએ પહેરેલી ડાયમંડની વીંટી, સોનાની ચેઇન, રોકડા 5 હજાર, ડેબિટ કાર્ડ, પર્સ લઈ આરોપીઓ ફરાર થઇ ATMમાંથી પણ ડેબિટ કાર્ડ વડે રૂપિયા 72 હજાર ઉપાડી લીધા હતા. 16 કલાક સુધી પોતાની કારમાં જ ફેકટરી માલિક બંધક રહ્યા બાદ શુક્રવારે રાતે ભરૂચ સી' ડિવિઝન પોલીસ મથકે ભીમસીંગ સહિત અન્ય 5 આરોપી સામે રૂ. 15.48 લાખની ખંડણી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ મામલે ભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધાર ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેને રૂપિયાની જરૂરિયાતા ઉભી થતા લૂંટ માટે હરિયાણાથી કુખ્યાત આરોપીની ગેંગ બોલાવી ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર જણાવ્યુ હતું.

Next Story