Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ

ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.

X

ભરૂચના નવચોકી ઓવારા પર આવેલ અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટી મંદિરમાં આગ લગાડવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણ વાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી અને તે ફરાર થઇ ગયો હતો.આ અંગેની જાણ મઠના સ્વામી મુક્તાનંદને થતા તેઓ પણ બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરી હતી જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતા સમજી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ મંદિર પરિસરમાં પહોંચી હતી. તો આ સાથે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મંદિરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મળી આવ્યા છે.જેમાં એક શખ્સ આવે છે અને પ્રવાહી છાટી મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરે છે તે સહિતની ગતિવિધિ કેમેરામાં કેદ થઈ છે.બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હુમલાખોર ની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે

Next Story