ભરૂચ : ઝાડેશ્વરની સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ, ત્રણે લુંટારૂ ઝબ્બે

પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ બાદ હવે ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ થયો છે.

New Update
ભરૂચ : ઝાડેશ્વરની સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ, ત્રણે લુંટારૂ ઝબ્બે

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ બાદ હવે ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ થયો છે. પોલીસે પણ સતર્કતા દાખવી ત્રણેય લુંટારૂઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયાં છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આઇનોકસની સામે શ્રી નિકેતન કોમ્પલેકસ અને તેમાં સુંદરમ જવેલર્સ નામની દુકાન આવેલી છે. દુકાનના માલિકે રાબેતા મુજબ દુકાન ખોલી હતી અને કાઉન્ટરની બહારની બાજુ ખુરશી પર બેઠા હતાં. આ સમયે દુકાનમાં ત્રણ યુવાનોએ પ્રવેશ કર્યો હતો. જવેલર્સ કઇ સમજે તે પહેલાં એક યુવાને તેમને પાછળથી પકડી લઇ માર મારવાનું શરૂ કરી દીધું હતું. જવેલર્સે બુમાબુમ કરતાં આસપાસથી લોકો દોડી આવતાં લુંટારૂઓ ભાગી છુટયાં હતાં. લુંટારૂઓનો પીછો કરવા જતાં જવેલર્સ પણ પડી જાય છે.

બનાવના પગલે ઝાડેશ્વર રોડ પર દોડધામ મચી ગઇ હતી. જવેલર્સની દુકાનમાંથી ભાગેલા એક લુંટારૂને તુલસીધામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ભાગી છુટેલા અન્ય બે લુંટારૂઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી દેવામાં આવી હતી તથા પોલીસની ટીમો રવાના કરાય હતી. ગણતરીના કલાકોમાં તો પોલીસે ત્રણેય લુંટારૂઓને ઝડપી પાડયાં છે. આરોપીઓને સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સમાંથી પણ બંદુકની અણીએ લુંટ ચલાવવામાં આવી હતી.

Latest Stories