ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તાર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'આઝાદી કા અમૃત મહોત્સવ'નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય તેમજ ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય અને આ સાથે જ ભારતના વિકાસને દર્શાવવાનો છે. દેશ સહિત ગુજરાતભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત જનજાગૃતિ તેમજ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચના રતન તળાવ વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા, લુપીન લિમિટેડ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી તેમજ વોર્ડ નં. 7 અને 11ના સ્થાનિક રહીશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિના યાદવ, સુરભી તમાકુવાલા સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.