ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજના કલાકારો અને મૂર્તિકારો દ્વારા માટીની ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું જ સ્થાપન કરે તેવી બંગાળી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગણેશ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજના કલાકારો દ્વારા માટીની ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં બંગાળી મૂર્તિકારો દ્વારા પવિત્ર નર્મદા નદીના તટની માટીમાંથી શ્રીજીની સુંદર પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે, ત્યારે આ માટીમાંથી બનાવેલી પ્રતિમાઓથી જળચર પ્રાણીઓના જીવ બચાવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નદીની માટીમાંથી બનાવેલી પ્રતિમા પાણીમાં જલ્દીથી પીગળી જાય છે. આ સાથે જ જળ પ્રદૂષણ પણ નિયંત્રણમાં આવશે તેવું મૂર્તિકારોનું માનવું છે. જોકે, મોટી સંખ્યામાં શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું સ્થાપન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.