કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું....
દેશમાં દવાખાનાઓમાં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજનના અભાવે કોરોના કાળમાં લાખો લોકોના મૃત્યુ થયાં છે. કોરોનાથી મોતને ભેટેલા લોકોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તે માટે કોંગ્રેસે લડત ઉપાડી હતી. કોંગ્રેસની લાંબી લડત બાદ સરકારે કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચુકવવાનું શરૂ કર્યું છે પણ કોંગ્રેસની માંગ છે કે લાભાર્થીઓને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.. કોંગ્રેસના આગેવાનોનો એમ પણ આક્ષેપ છે કે, સરકારે કેટલાયે પરિવારો ને હજુ આ વળતર પણ ચુકવ્યું નથી. આવેદનપત્ર આપતી વેળા એઆઇસીસીના પુર્વ મહામંત્રી દીપક બાબરીયા, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા, મહિલા કોંગ્રેસના પ્રમુખ જયોતિ તડવી, શહેર પ્રમુખ વિકકી શોખી, યુવા કોંગ્રેસના શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.