Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોંગ્રેસનો ખાડા મહોત્સવ; માર્ગ પર પડેલા ખાડામાં શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો

ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો

X

ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પાંચબત્તીથી સેવાશ્રમ રોડ ઉપર ઢોલ નગારા સાથે શહેર કોંગ્રેસે ઉતરી પડી માર્ગો ઉપર પડેલા ખાડામાં શ્રીફળ ફોડી તેને વધાવ્યા હતા.

ભરૂચમાં જન આશીર્વાદ યાત્રા લઈને આવેલા મંત્રી પૂર્ણૅશ મોદીએ ભરૂચ જિલ્લામાં 80% રસ્તાઓનું પેચવર્ક થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ કહે છે કે ભરૂચ શહેરના રસ્તાઓનું 80% પેચવર્ક બાકી છે. જ્યારે તમામ 11 વોર્ડના આંતરિક માર્ગોનું 100 ટકા પેચવર્ક બાકી છે. વિવિધ તાલુકાઓને જોડતા માર્ગોના ખાડા પુરવાની કામગીરી તો હજી શરૂ પણ કરાઈ નથી. ત્યારે ભાજપમાં રાજમાં ખાડામાં ગયેલા ભરૂચના માર્ગોને લઈ ગુરૂવારે શહેર કોંગ્રેસે ખાડા મહોત્સવનો વિરોધ કાર્યકમ આપી પાંચબત્તી ખાતે રસ્તા ઉપર ઉતરી હતી. પાંચબત્તીથી કોંગી આગેવાનોએ ઢોલ નગારા સાથે ખાડા મહોત્સવની ઉજવણી શરૂ કરી ભાજપનો હુરિયો બોલાવ્યો હતો. જોકે આટલેથી કોંગ્રેસે નહિ અટકી માર્ગ પર જ્યાં જ્યાં ખાડા હતા તેમાં નારિયેળ ફોડી તેને વધાવ્યા હતા.

કોંગ્રેસના ખાડાઉત્સવને લઈ પાંચબત્તી-સેવાશ્રમ રોડ ઉપર ચક્કાજામ સર્જાતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કોંગી આગેવાનોને અટકાવવાનો પ્રયાસ કરતા એક તબક્કે ભારે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વિરોધ નોંધાવી રહેલા શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિત 8 થી 10 આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

જોકે આ બાબતે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્રને માત્ર ખોટા તાઈફાઓ કરે છે. તેમની પાસે કોઈ મુદ્દો નથી અને જો વિકાસ ન થયો હોત તો મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો ન હોત.

Next Story