ભરૂચ જિલ્લાના 500થી વધુ વનરક્ષક અને વનપાલોએ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને સંબોધી નાયબ વબ સંરક્ષકની કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો. જોકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી અને ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહીં લવાતા રાજ્યવ્યાપી હડતાળની ઘોષણા કરાઈ છે. ગુજરાત રાજ્ય વન કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ ગ્રેડ-પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી.
રાજ્ય સરકારે વન વિભાગના વન રક્ષક અને વનપાલના વર્ષો જૂના પડતર પ્રશ્નો નિવારવાની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લામાં પણ વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 500થી વધુ કર્મચારીઓએ નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે ભેગા થઈ ડી.એફ.સી. અને એ.સી.એફ.ને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના પણ તમામ વન કર્મચારીઓ રાજ્યના કર્મચારીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી તમામ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.