Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પર મોટા વાહનોથી સતત રહેતો ભારે ટ્રાફિક જામ, લોકોને હેરાન પરેશાન થવાનો વારો !

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી પર રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે, ત્યારે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાવેલ્સોના પાર્કિંગો હોવાથી 500થી પણ વધુ બસો આ વિસ્તારમાં પાર્ક થતી હોય છે, જયારે આ બસો ડ્યુટી પ્રમાણે નીકળતી હોય છે. જેમાં વહેલી સવારે, બપોરે અને સાંજના સમયે એક સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં આ બસો પાર્કિંગ ઝોનમાંથી નીકળી મુખ્ય રોડ પર આવતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બને છે. જેના કારણે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકોને પણ ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવતો હોય છે. લોકોને હેરાનગતિ થવાની વારંવાર બુમો ઊઠતી હોય છે, ત્યારે આજે બપોરના સમયે મોટા વાહનોના કારણે મુખ્ય માર્ગ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જેને 15થી 20 મિનિટની ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી હતી, ત્યારે હાલ તો ટ્રાફિક જામની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તેવા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહિ, જો ટ્રાવેલ્સોના પાર્કિંગ ઝોન ઝાડેશ્વર ચોકડીના બદલે નર્મદા ચોકડી વિસ્તાર તરફ આપવામાં આવે તો આ ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવે તેવું પણ સ્થાનિકોનું માનવું છે.

Next Story