Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લોકસભાની ચૂંટણી પૂર્વે AAPમાં ડખો, વિવાદ ચરમસીમાએ પહોચતા પાયાના 2 હોદ્દેદારો સસ્પેન્ડ..!

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે,

ભરૂચ : લોકસભાની ચૂંટણી પૂર્વે AAPમાં ડખો, વિવાદ ચરમસીમાએ પહોચતા પાયાના 2 હોદ્દેદારો સસ્પેન્ડ..!
X

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે, ત્યારે ભરૂચમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અગ્રણીના રાજીનામાં બાદ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે 2 હોદ્દેદારો કે, જે પાયાના હોદ્દેદાર હોય તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચ્યો છે.

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ઊર્મિ વાનાણી રહ્યા, અને તેમને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું હતું. પરંતુ પ્રદેશમાં પણ તેમની વાત ન સંભળાતી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી તેઓએ ૩ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. જેને લઇ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. ઊર્મિ વાનાણી પાયાના હોદ્દેદાર રહ્યા છે. કારણ કે, ભરૂચમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર ઊર્મિ વાનાણી હોવાનું માનવામાં આવે છે. તેવામાં ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી જ સાદિક લવલી અને મુન્નાભાઈ પણ પોતાના પક્ષને વફાદાર રહી પાર્ટીને અડીખમ રાખી છે. તાજેતરમાં જ પાયાના આ બન્ને હોદ્દેદાર સાદિક લવલી અને મુન્નાભાઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાના લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. આ બન્ને હોદ્દેદારોના કેટલાક ઓડિયો પણ વાયરલ થયા છે. જેમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ કરતો ઓડિયો રાજકારણમાં કુતૂહલ સર્જી રહ્યો છે. જે અંગે આપના સસ્પેન્ડેડ આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી તેઓની વ્યથા વ્યક્ત કરી હતી. એક તરફ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવાર નહીં ઉભો રાખી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવા માટેના પ્રચાર પ્રસાર અને પ્રયાસ ચાલી રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોના અંદરો અંદર ડખાના કારણે ભાજપ અને કોંગ્રેસમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં જ એકતા નહીં જળવાઈ તો ભરૂચ જિલ્લામાં ભાજપ પોતાની બેઠક જે પ્રમાણે 30 વર્ષથી જાળવી રાખી છે, તે પ્રમાણે જ ફરી જાળવી રાખે તેવા અણસારો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Next Story